ડાયાબીટીઝ
ડાયાબિટીસ (મધુપ્રમેહ) એક એવી જીવનશૈલી સંબંધિત તેમજ વારસાગત બીમારી છે, જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી અથવા ઉત્પન્ન થયેલ ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. ઇન્સ્યુલિન એક મહત્વપૂર્ણ હોર્મોન છે જે લોહીમાં રહેલી શર્કરા (ગ્લુકોઝ) ને ઊર્જામાં ફેરવે છે. ડાયાબિટીસ થાય ત્યારે શરીરમાં સુગરનું સ્તર અસામાન્ય રીતે વધી જાય છે, જેને કારણે અનેક પ્રકારની તકલીફો ઊભી થઈ શકે છે. જો સમયસર સારવાર અને નિયંત્રણ ન કરવામાં આવે તો હૃદયરોગ, કિડનીની સમસ્યા, આંખોની તકલીફ અને નસો સંબંધિત બીમારીઓ જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે.
ડાયાબિટીસના મુખ્યત્વે બે પ્રકાર હોય છે: ટાઈપ 1 અને ટાઈપ 2.
ટાઈપ 1 ડાયાબિટીસ સામાન્ય રીતે બાળપણમાં કે યુવાન વયે દેખાય છે, જેમાં શરીર બિલકુલ ઇન્સ્યુલિન બનાવતું નથી. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસ મોટાભાગે પુખ્ત વયે જોવા મળે છે અને તેમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આ ઉપરાંત, ગર્ભાવસ્થા દરમિયાન થતો ગેસ્ટેશનલ ડાયાબિટીસ પણ એક મહત્વપૂર્ણ પ્રકાર છે, જે માતા તથા બાળક બંને માટે જોખમી બની શકે છે. ડાયાબિટીસનું મુખ્ય કારણ અસંતુલિત આહાર, વારસાગત કારણો, સ્થૂળતા, કસરતનો અભાવ અને અયોગ્ય જીવનશૈલી છે. જે લોકો મીઠાઈ, તેલવાળો ખોરાક, ફાસ્ટફૂડ તથા કોલ્ડડ્રિન્ક્સનું વધારે સેવન કરે છે તેઓ ડાયાબિટીસના શિકાર થવાની સંભાવના વધારે હોય છે. એ સિવાય, લાંબા સમય સુધી તણાવ, ઊંઘની અછત અને બેઠાડુ જીવન પણ આ બીમારીને વધારવામાં સહાયક સાબિત થાય છે.
ડાયાબિટીસની સારવારમાં મુખ્યત્વે આહાર નિયંત્રણ, નિયમિત કસરત, દવાઓ અને કેટલીક પરિસ્થિતિઓમાં ઇન્સ્યુલિનના ઈન્જેક્શન લેવામાં આવે છે. ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જીવનશૈલીમાં ફેરફાર અને યોગ્ય દવાઓથી ડાયાબિટીસને કાબૂમાં રાખી શકાય છે. નિયમિત બ્લડ સુગર ચકાસણી અને ડૉક્ટરની સલાહ અનુસાર સારવાર જરૂરી છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે યોગ્ય આહાર અપનાવવો ખૂબ જ અગત્યનો છે. ખોરાકમાં તાજા ફળો, લીલાં શાકભાજી, આખા અનાજ, દાળ, ઓછા તેલવાળો ખોરાક અને પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ તળેલા ખોરાક, મીઠાઈઓ, વધુ કેલરીયુક્ત પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહેવું જરૂરી છે. દિવસભરમાં થોડા-થોડા સમયાંતરે સંતુલિત ખોરાક લેવો એ સૌથી અસરકારક રીત છે.
નિયમિત કસરત ડાયાબિટીસ નિયંત્રણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ, પ્રાણાયામ, ચાલવું, સાયકલ ચલાવવું અને હળવું દોડવું (Jogging) જેવી કસરતો દ્વારા શરીરમાં ઇન્સ્યુલિનની અસરકારકતા વધે છે અને બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત, કસરતથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે, જે ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે જરૂરી છે. ડાયાબિટીસ સામે લડવા માટે સકારાત્મક વિચારધારા, તણાવ નિયંત્રણ અને નિયમિત તબીબી ચકાસણી ખૂબ જ જરૂરી છે. આ બીમારીનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી, પરંતુ યોગ્ય સંભાળ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકાય છે. જો ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ સમયસર સારવાર કરે, નિયમિત આહાર અને કસરતનું પાલન કરે તો તેઓ લાંબું અને તંદુરસ્ત જીવન જીવી શકે છે.